પ્રવૃત્તિઓ

શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ

સમાજ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી



સમાજની વાડીની જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે તેમજ જ્ઞાતિજનો દ્વારા પ્રસંગોપાત યથા સમયે ખુશી-ભેટ, સહકાર પ્રાપ્ત થાય છે તેમાંથી જ્ઞાતિના ઉત્કર્ષ માટે નીચે મુજબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

અનાજ-સહાય


સમાજના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના સભ્યોને દર બે માસે અનાજની સહાય જે-તે પરિવારની વ્યકિત (યુનિટ) પ્રમાણે વિનામૂલ્યે વિતરણ થાય છે. તેમજ આ પરિવારોને વાર-તેહવારોએ એટલે કે, દિવાળી, જન્માષ્ટમી, મકરસંક્રાતિ વિગેરેમાં પણ સ્પેશ્યલ સહાય આપવામાં આવે છે. જેમાં મીઠાઈ, ફરસાણ વિગેરેનું વિતરણ થાય છે.

તબીબી-સહાય


સમાજના આર્થિક રીતે નબળા વર્ગના જ્ઞાતિજનોને સમાજના ખર્ચે તબીબી સહાય આપવામાં આવે છે. તથા ફંડની ઉપલબ્ધિ તેમજ દર્દીના કેસની ગુણવતા પ્રમાણે દવા કે ઓપરેશનની અંશત: સહાય વિગેરે પણ આપવામાં આવે છે. સમાજ તથા દાતાઓના સહયોગથી ફ્રી મેડીકલ કેમ્પ્સનું આયોજન પણ કરવામાં આવે છે.

શૈક્ષણિક સહાય


સમાજના ધોરણ ૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતાં કોઇપણ વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો, તથા પ્રાથમિક સ્કૂલથી કોલેજ સુધી નોટબુક વિનામૂલ્યે આપવામાં આવે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કુલ ફીની સહાય પણ યોગ્યતાના ધોરણે કરવામાં આવેછે.

ઉચ્ચ શિક્ષણ લોન સહાય


સમાજના મધ્યમ વર્ગના ઉચ્ચ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને કોલેજ-ફી ભરવા આંશિક રીતે ઉચ્ચ શિક્ષણ માટે સહાયરૂપ થવા વ્યાજ રહીત લોન-સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. આ ફંડ માટે રૂપિયા ૧,૦૦૦ ની એક ટિકિટ એ રીતે દસ લાખનો ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે. હાલમાં આશરે ચાર લાખનું ફંડ ઉપલબ્ધ થયેલ છે. અને ઉચ્ચ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓને અત્યાર સુધી રૂપિયા ૪,૦૦,૦૦૦/- લોન સહાય આપવામાં આવેલ છે. આ ફંડમાં એકસો ટિકિટના વેંચાણ બાદ લોટરી પધ્ધતિથી કોઈપણ એક ટિકિટના દાતાનું નામ જાહેર થતાં એ એક લાખના ફંડ સાથે તેનું નામ જોડવામાં આવે છે. જે અત્યાર સુધી નીચે મુજબ નામ જોડાયેલા છે.

(૧) સોની દામજી પ્રભુદાસ ચેરીટેબલ ટ્રસ્ટ હઃ શ્રી જયંતિલાલ ડી. સોની – ઉચ્ચ શિક્ષણ લોન ફંડ
(૨) શ્રી રામકૃષ્ણ પરમહંસ પ્રસાદ હ: શ્રી ચંદ્રકાન્ત ચુનીલાલ પાટલિયા - ઉચ્ચ શિક્ષણ લોન ફંડ
(૩) ગં.સ્વ. હરિચ્છાબેન ડોલરરાય વજાણી હ: શ્રી નરેન્દ્રભાઈ ડી. વજાણી તથા - ઉચ્ચ શિક્ષણ લોન ફંડ
(૪) અ.નિ. જમનાબેન ઉમેદલાલ પારેખ હ: શ્રી મણીભાઈ પારેખ - ઉચ્ચ શિક્ષણ લોન ફંડ

આ શૈક્ષણિક કાર્યમાં ધારણા મુજબના રૂપિયા દસ લાખના તાર્ગેટે પહોંચવા જ્ઞાતિજનોને ઉપરોક્ત રૂપિયા ૧,૦૦૦/- વાળી ટિકીટો ખરીદવા હાર્દિક અપીલ કરવામાં આવે છે.

આદર્શ લગ્ન


સમાજના જરૂરિયાતમંદ પરિવારની દીકરી-દીકરાઓ માટે આદર્શ લગ્નનું આયોજન તે માટેની અરજી મળ્યે સમાજની વાડીમાં જ્ઞાતિ કાર્યકરોની દેખરેખ હેઠળ સમાજના ખર્ચકરવામાં આવે છે. આદર્શ લગ્ન માટે દાતાશ્રીઓ સહયોગ આવકાર્ય છે.

સમાજના આર્થિક રીતે જરૂરિયાતમંદ કુટુંબોને ધંધાકીય સહાયનું આયોજન


સમાજના આર્થિક રીતે જરૂરિયાતમંદ કુટુંબોને વિવિધરૂપે સહાય થવાના અભિગમ હેઠળ, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જે અનુસાર જરૂરિયાતમંદ ભાઈઓ-બહેનો ઘેર બેઠા કમાઈ શકે, પગભર થઈ શકે તેવા આશયથી સમાજના ભંડોળમાંથી સિલાઈનું મશીન અથવા કોઇપણ ગૃહ ઉદ્યોગ સંબંધે લોનનું પણ આયોજન અરજીના ગુણ-દોષના આધારે કરવામાં આવેલ છે.

સેવા સહાય અપીલ


સમાજ દ્વારા ચલાવવામાં આવતી અનાજ સહાય, તબીબી સહાય, તેમજ શૈક્ષણિક સહાય માટેની કોઇપણ પ્રવૃત્તિમાં રૂપિયા ૫,૦૦૦/- કે તેથી વધુ રકમનું દાન આપનાર દાતાશ્રીનું નામ વાડીમાં કાયમી ધોરણે ફોટોગ્રાફ સ્વરૂપે જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરોક્ત કોઇપણ પ્રવૃત્તિ માટે કોઇપણ રકમની દાન-ભેટ સ્વીકારવામાં આવે છે. દાન-ભેટ આપવા ઈચ્છા ધરાવનાર જ્ઞાતિજનોએ સમાજ પ્રમુખ, ટ્રસ્ટી મંડળ ના સભ્યો કે જે-તે વિભાગના મંત્રીશ્રીનો સંપર્ક સાધવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. આપને ત્યાંના શુભ પ્રસંગોએ વડીલોની સ્મૃતિઓ પ્રસંગે સમાજને જરૂર યાદ કરવા વિનંતી.

આપણા સમાજની ઉપરોક્ત સેવાકીય પ્રવૃત્તિનો મૂળભુત હેતુ જ્ઞાતિજન પાસેથી દાન-ભેટ સ્વિકારી જ્ઞાતિજનો માટે જ ઉપયોગ કરવો તેવો રહેલ છે. એટલે કે, જ્ઞાતિજનો દ્વારા અપાતી કોઇપણ દાન-ભેટ જ્ઞાતિબંધુ માટે જ વાપરવામાં આવે છે. આથી જ્ઞાતિજનોને ઉદારતાથી સહાયરૂપ થવા હાર્દિક અપીલ કરવામાં આવે છે.